ક્ષુબ્ધ તરંગ – મોહનલાલ પટેલ

Baldevpari
0
રાકેશ અને સુચેતાના દામ્પત્યજીવનમાં ક્યારેક બંટી અંગે થોડી ચડભડ થતી. બંટી એમનું એકનું એક સંતાન. છ વર્ષ એની વય. સુચેતાની એક કાયમની ફરિયાદ હતી કે રાકેશ બંટી પ્રત્યે પૂરતું વાત્સલ્ય દાખવતો નથી. આ ફરિયાદ સામે રાકેશનો ઉત્તર આ હતો – ‘બંટીની ઉંમર પ્રમાણે હું એના માટે રમકડાં લાવતો રહ્યો છું. એ શિશુવયનો હતો ત્યારે તેના માટે બેટરીથી ચાલતાં જાતજાતનાં રમકડાં અને નર્સરી રહાઈમ્સની કેસેટો લાવતો. એ મોટો થયો એટલે એના માટે ફેરી ટેલ્સની પુસ્તિકાઓ, રમત-ગમતનાં સાધનો, વિડિયો ગેમ્સ, આર્ટ પેપર પર ચાર રંગમાં છપાયેલી કાર્ટૂન બૂક્સ વગેરે, એ જે માગે તે, એના આગળ ધરી દઉં છું, છતાં બંટી તરફ હું ધ્યાન આપતો નથી એ ફરિયાદ બેહુદી છે.

સુચેતા કહેતી : ‘વાર્તાઓની ચોપડીઓ કે રમતગમતનાં સાધનોનો ઢગલો કરી દેવાથી બાળક પ્રત્યે પ્રેમ હોવાની વાત સિદ્ધ થતી નથી. કોઈ દિવસ તમે એને વાર્તા કહી ? એણે ધરી રાખેલા બેડમિંગ્ટનના રેકેટ તરફ તમે કોઈ દિવસ શટલ-કૉક ફેંક્યું ?…’
સુચેતા વધારે અકળાતી ત્યારે બંટીની વાત સાથે પોતાનો અસંતોષ પણ ભેળવી દેતી. એ કહેતી : ‘તમે તમારા કામમાં સતત પરોવાયેલા રહ્યાં. સવારે છાપાં,મેગેઝીન વગેરે, સાંજ સુધી ઑફિસ, ઑફિસેથી આવ્યા પછી મિત્રો સાથે કલબમાં…. રાત્રે મોડે સુધી ચોપડીઓ કે ઑફિસનું કામ….. કોઈ દિવસ અમારી સાથે ટીવી સામે બેઠા છો ? કેવી સરસ સિરિયલો આવે છે ! પણ એ બધી તમારે મન મૂર્ખ લોકો માટેનું મનોરંજન. કોઈ દિવસ સિનેમા થિયેટરમાં સાથે બેસીને ફિલ્મ જોઈ છે ? એ ફિલ્મો પણ તમારે મન અક્ક્લ વગરના માણસો માટેનો ખોરાક ! આખી દુનિયા રવિવારના દિવસે સાંજે પોતાનું રસોડું બંધ કરીને હૉટલમાં જાય છે, તમે કોઈ સારી હૉટલનું પગથિયું દેખાડ્યું છે ? મેં તો આ બધું તમારો સ્વભાવ સમજીને ચલાવી લીધું. કોઈ દિવસ એના અસંતોષનો બળાપો કાઢ્યો નથી. આપણું તો જે થયું એ થયું, પણ આપણી પ્રજા તરફ તો આપણે જોવું જોઈએ ને ?’

એક દિવસ રાકેશે કહ્યું હતું : ‘તું જ કહે સુચેતા, મારે શું કરવું જોઈએ ?’
‘એમાં કરવાનું શું હોય ? બંટી માટે સમય કાઢો. એની સાથે હસો-ખેલો, એને તમારી સાથે ફરવા લઈ જાઓ. રાત્રે સૂતી વખતે એને વાર્તા કહો…. આમ તમે એને તમારો હેવાયો કરો. બાપથી વિખૂટાં પડતાં બાળક બેચેન થઈ જાય અને એના આવવાની આતુરતાપૂર્વક રાહ જુએ ત્યારે બાળક બાપનો પ્રેમ પામ્યું ગણાય.’
એ દિવસે રાકેશે કહ્યું હતું : ‘બાળવાર્તાઓ તો મને આવડતી નથી. ક્યારેય વાંચી કે સાંભળી હશે તે કહેવાની મારી ફાવટ નથી. એટલે વાર્તાઓની વાત તો તારા પર છોડું છું, પણ હવેથી બંટીને હું મારી સાથે ફરવા લઈ જઈશ.’

બીજે દિવસે ઑફિસેથી આવ્યા પછી સાંજે રાકેશે બહાર રમતા બંટીને સાદ દઈને બોલાવી લીધો. અને કહ્યું : ‘ચાલ બંટી, આપણે ફરવા જઈએ.’ કોઈ શિક્ષાનો ચુકાદો સાંભળતો હોય એમ બંટી પહોળી આંખે રાકેશ સામે જોઈ રહ્યો. બંટીના ચિત્તમાં ઉત્સાહનો સંચાર કરવાના હેતુથી રાકેશે કહ્યું : ‘આપણે ખેતરોમાં ફરીશું. તું જોજે તો ખરો, વગડામાં ફરવાની કેવી મજા આવે છે તે.’
અજાણ્યા માણસ સાથે વ્યવહાર કરતાં બાળક જે ક્ષોભ અનુભવે એવું કંઈક અનુભવતો હોય એવો ભાવ બંટીના ચહેરા પર અંકાઈ રહ્યો. થોડી અવઢવ પછી ખસીને એ સુચેતાના દેહ પાછળ છુપાઈ ગયો. તક મળી હોય એમ સુચેતા બોલી ઊઠી : ‘જોયું ? છોકરો તમારાથી કેટલો દૂર થતો જાય છે !’
એ દિવસે રાકેશે કે સુચેતાએ બંટી ઉપર ફરવા જવાનું દબાણ ન કર્યું. પણ બીજે દિવસે રાકેશ ઑફિસેથી ઘેર આવે એ પહેલાં સુચેતાએ બંટીને વિશ્વાસમાં લઈને રાકેશ સાથે ફરવા જવા માટે રાજી કર્યો.


રાકેશ આવ્યો પણ ગઈ કાલે બંટીને ફરવા લઈ જવા બાબતનું પ્રકરણ પૂરું થયેલું સમજી એ બહાર જવાની તૈયારી કરતો હતો ત્યાં સુચેતાએ કહ્યું : ‘કેમ ફરવા નથી જવું ?’
‘હું તો ઈચ્છું છું, પણ બંટી ક્યાં રાજી છે ?’
‘એને પૂછી જુઓ તો ખરા’
રાકેશ બંટીને પૂછી એ પહેલાં બંટીએ જ કહી દીધું : ‘પપ્પા ચાલો જઈએ.’
‘મારી સાથે તને ફાવશે, બંટી ?’
રાકેશે આ વાક્યનું ઉચ્ચારણ તો સહજ ભાવે કર્યું હતું, પણ સુચેતાને એમાં રાકેશની ભારોભાર ઉદાસિનતા દેખાઈ. એના મનમાં તો એમ જ વસી ગયું કે રાકેશ બંટીને ફરવા લઈ જવાનું કામ વાત્સલ્યભાવે નહીં, પણ એક બોજારૂપે કરી રહ્યો છે. એટલે એણે ઊંચા સ્વરે બંટીને સૂચન કર્યું, ‘બંટી, ફરવા નથી જવું, ફળિયામાં રમવા જા.’
સુચેતાની વાત તરફ લક્ષ ન આપતાં બંટીએ રાકેશને કહ્યું, ‘ચાલો પપ્પા, આપણે જઈએ.’
પિતા-પુત્રે વગડામાં પહોંચી જઈને ખુલ્લા આકાશ નીચે ભ્રમણ આદર્યું. બંટી અને રાકેશ બંને ઉત્સાહમાં હતા. એક નેળિયામાં પ્રવેશ્યા પછી થોરની વાડ ઉપર પ્રસરેલા વેલા ઉપર ખીલેલાં પીળાં ફૂલ તરફ બંટીનું ધ્યાન દોરીને રાકેશે કહ્યું : ‘આ કુકડવેલ કહેવાય, દિવસ આથમવાની તૈયારી હોય ત્યારે એનાં ફૂલ ખીલવા માંડે. આખી વાડ પીળા બુટ્ટાવાળી બની જાય.’ આગળ જતાં એક ખેતરની વાડ પાછળ ઊભેલા ખાખરાના ઝાડ તરફ આંગળી કરીને રાકેશે કહ્યું : ‘આ ખાખરો. કેસૂડો પણ કહેવાય. ફાગણ મહિનો આવે એટલે એનાં બધાં પાન ખરી પડે અને આખું ઝાડ કેસરી રંગનાં ફૂલોથી લદાઈ જાય. દૂરથી જોતાં ઝાડ અગ્નિની જ્વાળા જેવું લાગે… એનાં પાંદડાંના પતરાળાં થાય. પતરાળાં જોયા છે ?’
‘ના.’
‘ખાખરાનાં પાનને સળીઓના ટુકડાથી સાંધીને પતરાળું બનાવાય. જમણવારમાં અત્યારે ડીશો વપરાય છે ને, એને બદલે અગાઉ પતરાળાં વપરાતાં. આજની જેમ સૌ ઊભાં ઊભાં ભોજન લે છે એમ નહીં, પણ જમીન ઉપર પંગતમાં બેસીને સૌ પતરાળાંમાં જમતા. પીરસનાર મીઠાઈનો આગ્રહ કરે. જમનાર ના ના કહ્યા કરે પણ પીરસનાર એના મોઢામાં મીઠાઈનો ટૂકડો ઠાંસી જ દે !’ કહી રાકેશ મોટેથી હસી પડ્યો. બંટી વિસ્મ્યથી રાકેશના મુખભાવ જોતો એની સામે તાકી રહ્યો. આમ વગડામાં ફરતાં ફરતાં રાકેશે નજરે પડી તે મહત્વની વનસ્પતિઓનો પરિચય બંટીને આપ્યા કર્યો. કેરડા, વખડા, ખીજડા વગેરેની વાત કરતાં રાકેશ, આનંદ અને ઉત્સાહમાં આવી ગયો હતો.
ઘેર આવીને રાકેશે સુચેતાને રાજીપાના સમાચાર આપ્યા.
‘ફરવાની મજા આવી ગઈ.’ અને બંટીનો હોંકારો માગ્યો, ‘બંટી, મજા આવી ને ?’
‘હં.’ બંટી મંદ સ્વરે બોલ્યો. સુચેતા બંટીનું મન કળી ગઈ. પણ એણે કશી ટિપ્પણી ન કરી.
બીજે દિવસે રાકેશ ઑફિસેથી આવે તે પહેલાં બંટી સુચેતાને જણાવ્યા વગર કેશુને ત્યાં રમતા જતો રહ્યો. રાકેશે ઑફિસથી આવીને ફરવા જવાની વાત કાઢી એટલે સુચેતાએ કહ્યું : ‘રહેવા દો, આપણે બંટીની ઈચ્છા વિરુદ્ધ કંઈ કરવું નથી. એમ કરવાથી એના કુમળા માનસ ઉપર અત્યાચાર કર્યા જેવું થશે.’ એ પછી સુચેતાએ બંટીની બાબતમાં કશી ચર્ચા ન કરી. પણ ચર્ચા ન કરવાના દિવસો ક્યાં રહ્યાં ?

એક દિવસ સુચેતા સ્કૂટર ઉપર એક સ્નેહીને મળવા નીકળી. ટ્રાફિકના એક ગીચ વિસ્તારમાં રોડ ઉપર ઢળેલા ઑઈલ ઉપર એના સ્કૂટરનું વ્હીલ આવતાં સ્કૂટર સ્લીપ થયું. સુચેતા રોડ પર પટકાઈ પડી. પાછળ પૂર ઝડપે આવતા એક ભારવાહક વાહન ઉપર એનો ડ્રાઈવર કાબૂ મેળવે એ પહેલાં જીવલેણ અકસ્માત સર્જાઈ ગયો. સુચેતા આ જગત ઉપર ન રહી ! આ અકસ્માત વખતે રાકેશ એની ઑફિસમાં કામના ભારણ નીચે વ્યસ્ત હતો. ફોન ઉપર આ અકસ્માતના સમાચાર મળતાં જ ટેબલ પરની ફાઈલો, કાગળ અને પેન સુદ્ધાં જેમનાં તેમ મૂકીને ભાગ્યો. ટેબલનાં ડ્રોઅરો અને લોકરો પણ ખુલ્લાં રહી ગયાં.
પંદર દિવસ સુધી રાકેશનું ઘર સ્વજનો, સ્નેહીઓ અને મિત્રોથી ઊભરાતું રહ્યું. સોળમે દિવસે રાકેશનાં મોટાં બહેને જવાની તૈયારી કરી એ વખતે એમણે રાકેશને કહ્યું : ‘બંટીને હું મારી સાથે લઈ જાઉં છું.’ મોટાં બહેનની વાત વાસ્તવિક અને વ્યવહારુ હતી. પણ સુચેતાની બંટી અંગેની ફરિયાદ પંદર દિવસથી રાકેશના ચિત્તમાં ઘુમરાયા કરતી હતી. એને લાગ્યું કે બંટીને આજ સુધી પોતે ન આપી શક્યો તે હવે આપવું જોઈએ. સુચેતાની છેલ્લી પળોમાં તો એ એને આવી કોઈ ખાતરી ન આપી શક્યો. પણ એના આત્માની શાંતિ માટે પોતે હવે બંટી તરફ અઢળક ઢળવું રહ્યું. આ લાગણી હેઠળ એણે મોટાં બહેનને કહ્યું : ‘બંટી મારી સાથે રહેશે, બહેન’
‘બંટી છ વર્ષનું છોકરું કહેવાય. એને સાચવવાનું તે કંઈ તારું કામ છે, ભાઈ ? મારે ત્યાં બીજાં છોકરાંની સાથે એય રમશે, જમશે અને ભણશે. તને ખબર પણ નહીં પડે ને એ મોટો થશે.’ જરા અટકીને બહેન બોલ્યાં, ‘વખત આવ્યે તું એને લઈ જજે. હું હોંશે હોંશે એને તારી સાથે મોકલી દઈશ.’
મોટાં બહેન ક્યા ‘વખત’ ની વાત કરતાં હતાં એ રાકેશ ન સમજી શકે એવો નાદાન નહોતો. એણે બહેનની દારખાસ્તને ભારપૂર્વક નકારતાં કહ્યું : ‘બહેન, અત્યારે મારો સહારો એક બંટી છે. એ ઘરમાં નહીં હોય તો હું ભાંગી પડીશ.’ આટલું બોલતાં બોલતાં એની આંખોમાં આવેલાં ઝળઝળિયાં જોઈ બહેને પોતાની વાતનો ઝાઝો આગ્રહ ન રાખ્યો.
ભર્યુંભર્યું ઘર એકાએક સૂનકારનો દરિયો બની ગયું. એવા સૂનકારની એક ઘડીએ બંટી ખૂરશી પર ઊભો રહીને કેલેન્ડરનાં પાનાં ફાડી રહ્યો હતો. બરાબર સુચેતાની જેમ જ. પાનું નીચે તરફ ખેંચીને, હાથમાં મસળીને બારી બહાર ફેંકી દેતો હતો. રાકેશ એ જોઈ રહ્યો હતો. બંટી પાનાં ફાડતો રહ્યો. એક…બે…ત્રણ.. બરાબર સોળ પાનાં ફાડ્યા પછી એણે રાકેશ સામે જોયું પછી બોલ્યો : ‘બસ, પપ્પા ?’
છ વર્ષના આ બાળકને છવ્વીસમી તારીખની તે શી ખબર છે ? કે પછી એય રાકેશની માફક દિવસ ગણી રહ્યો હતો ? સુચેતાએ છેલ્લું પાનું ફાડ્યું તે પછીનાં પાનાં ફાડ્યા વિનાનાં રહ્યાં હતાં.

બંટીએ ફરી પૂછ્યું : ‘બરાબર ને પપ્પા ?’
‘હા બેટા, બરાબર છે. આજ છવ્વીસમી તારીખ થઈ.’
સુચેતાના અકસ્માતના સમાચાર સાંભળતાં જ ઑફિસનું બધું જેમનું તેમ મૂકીને રાકેશ ભાગ્યો હતો, એટલે હવે એક વખત ત્યાં જઈને બધું સમું સૂતરું કરી લેવું જોઈએ એવું લાગતાં એણે ઑફિસે એક આંટો મારી આવવાનો વિચાર કર્યો. એમ ફરવાથી કદાચ મન પણ હળવું થાય એવો એનો ખ્યાલ પણ ખરો. ઘરમાં બંટી એકલો પડે એટલે એને સાથે લઈ જવાનો વિકલ્પ હતો પણ બંટી એ માટે તૈયાર થશે ? આવો એક વિચાર એના મનમાં ઉદ્દભવ્યો.
એણે ફરી એકવાર બંટી સામે જોયું, બંટી હવે ટેબલ પરનાં અસ્તવ્યસ્ત પુસ્તકોને બરાબર ગોઠવવામાં રોકાયેલો હતો. સુચેતા જે રીતે ગોઠવતી હતી – બરાબર એ જ રીતે ! એણે બંટીને કહ્યું : ‘બંટી બેટા, હું જરા ઑફિસે જઈ આવું, તું ઘરમાં એકલો રહીશ ને ?’
‘હા, પપ્પા તમે જાઓ, હું એકલો રહીશ.’
રાકેશ તૈયાર થઈને બારણા સુધી ગયો. પગથિયાં ઊતરીને આંગણામાં ચારેક ડગલાં ચાલ્યા પછી થોભ્યો. પીઠ ફેરવીને પાછળ જોયું. બંટી પુસ્તકો ગોઠવવાનું પડતું મૂકીને બારણામાં આવીને ઊભો રહી ગયો હતો. રાકેશની નજર પોતાના ઉપર પડતાં દબાતા સૂરે એ બોલ્યો : ‘હું આવું, પપ્પા ?’
રાકેશ બંટીને નિહાળી રહ્યો. જવાબની રાહ જોતો બંટી રાકેશ તરફ ટગર ટગર જોઈ રહ્યો હતો. રાકેશે પ્રેમભર્યા અવાજે કહ્યું : ‘બેટા, તું ઘરમાં રહે ને, હું ઝટ ઝટ પાછો આવી જઈશ.’
બંટી કશું બોલ્યો નહીં.
રાકેશ ગયો.
અને બંટી બારણાની સાખ પર એક હાથ ટેકવીને ક્યાંય સુધી ઊભો રહ્યો. આતુર નયને પપ્પાના પરત આવવાની રાહ જોતો હોય એમ

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)